Genesis 5

1આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું. 2પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જાવ્યાં, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.

3જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું. 4શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો. 5આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

6જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો. 7અનોશનો જન્મ થયા પછી, તે આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 8શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.

9જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો. 10કેનાનના જન્મ પછી તે આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 11અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

12જયારે તેના પુત્ર માહલાએલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો. 13માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. પછી 14કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

15જયારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાએલ પાંસઠ વર્ષનો હતો. 16યારેદનો જન્મ થયા પછી માહલાએલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 17માહલાએલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.

18જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો. 19હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 20યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

21તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો. 22હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 23હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું. 24હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.

25જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો. 26લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 27મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.

28જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો. 29તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, “આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે.”

30નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 31લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.

નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.

32

Copyright information for GujULB